કાશ્મીરનાં પહેલગામમાં ભયાનક ત્રાસવાદી હુમલા સામે દેશભરનાં જન-જનમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે હુમલામાં આધારસ્તંભ કે પરિજન ગુમાવનારા પરિવારની હાલત કેવી હશે તેની કલ્પના પણ મુશ્કેલ છે. સુરતના બેંક મેનેજરના મૃત્યુ બાદ અંતિમયાત્રામાં તેનો પરચો મળ્યો હતો મૃતકનાં પત્નિએ બળાપો ઠાલવ્યો હતો. કેન્દ્રીય મંત્રી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના ઉપસ્થિત લોકોને આક્રોશ સાંભળવો પડયો હતો.
પહેલગામ હુમલામાં ગુજરાતનાં ત્રણ લોકોનો ભોગ લેવાયો હતો મુળ અમરેલીના લાઠી પંથકનો અને સુરતમાં સ્થાયી થયેલા પરિવારનાં શૈલેષ કળથીયા નામના બેંક મેનેજર પણ ત્રાસવાદી ગોળીનો ભોગ બન્યા હતા. તેમનાં મૃતદેહને સુરત લવાયો હતો અને અંતિમયાત્રામાં ઘેરા શોકનો માહોલ છવાયો હતો.
સુરતના મૃતકને પત્નિની હાજરીમાં આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી.ત્યારે તેઓએ આકરો આક્રોશ બળાપો ઠાલવ્યો હતો તેઓએ વિલાપ કરતાં એમ કહ્યુ કે આતંકવાદીઓએ મુસ્લીમોને કાંઈ કર્યુ ન હતું જયારે જેટલા હિન્દુ હતા તેઓને ગોળી મારી દીધી હતી. જયાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી આતંકવાદી ઉભો ઉભો હસતો રહ્યો હતો. સુરક્ષા વ્યવસ્થા પર નિશાન તાકતા એવો બળાપો ઠાલવ્યો હતો કે કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીરમાં કોઈ વાંધો નથી.વાંધો સરકાર અને સુરક્ષામાં છે.આટલા બધા પ્રવાસીઓ હોવા છતા કોઈ આર્મી, પોલીસ, કે મેડીકલ વ્યવસ્થા ન હતી. અમે સરકાર અને આર્મી પર ભરોસો રાખીને ફરવા ગયા હતા. અંતિમ યાત્રામાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત હતા અને તેઓને આક્રોશ સાંભળવો પડયો હતો.