કાશ્મીરનાં પહેલગામમાં ભયાનક આતંકવાદી હુમલા સામે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે તેના વિરોધમાં પાટનગર દિલ્હીના વેપાર ઉદ્યોગકારો દ્વારા તા.25 એપ્રિલ આવતીકાલે દિલ્હી બંધનુ એલાન આપ્યું છે.
‘વેપાર પછી દેશ પહેલા’નો ધર્મ સમજીને બંધની જાહેરાત કરવામાં આવી છે.આતંકવાદીઓએ પ્રવાસીઓ પર નહીં પરંતુ ભારત દેશ પર હુમલો કર્યાનો રોષ દર્શાવવામાં આવ્યો છે.
દિલ્હી મહાસંઘ દ્વારા પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીની કરેલી નિર્દયી હત્યા સામે આક્રોશ દર્શાવ્યો હતો. સંસ્થાના પ્રમુખ દેવરાજ વનેજા તથા ઉપપ્રમુખ રાજેન્દ્રકપુરે કહ્યું કે પાટનગરનાં તમામ વેપારી સંગઠનો સાથે સંકલન કરીને સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ વેપાર-ઉદ્યોગકારો સ્વૈચ્છીક રીતે કારોબાર બંધ રાખશે.
દેશનાં રાષ્ટ્રીય વ્યાપારી સંગઠન એવા કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા ટ્રેડર્સ દ્વારા પણ ટેરર એટેકને વખોડી કાઢવામાં આવ્યો હતો અને મૃતકો-ઘાયલો પ્રત્યે સંવેદના દર્શાવવામાં આવી હતી. ફેડરેશનના મહામંત્રી અને સંસદ પ્રવિણ ખંડેલવાલે કહ્યું કે દિલ્હી સહિત દેશભરનાં વેપારીઓ, ધંધા-રોજગારને અટકાવીને હતભાગીઓનાં પરિવાર સાથે ખભ્ભેખભા મિલાવીને ઉભા રહેવા તૈયાર છે.