જમ્મૂ-કશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં મંગળવારે થયેલા આતંકી હુમલા પછી હજી પણ ત્યાં ભયનો માહોલ છે. નિશ્ચિત રીતે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે, છતાં લોકોના મનમાં એક ભય જરૂર છે, જેના પરિણામે અનેક પ્રવાસીઓએ હવે કશ્મીર જવાનું રદ્દ કરી દીધું છે. બીજી બાજુ, ત્રણ મહિના પછી અમરનાથ યાત્રા શરૂ થવાની છે. તે સંબંધે હવે પ્રશ્ન ઊભો થાય છે કે શું આ યાત્રા થશે કે નહીં?
આનો જવાબ છે – યાત્રા રદ નહીં થાય. આતંકી હુમલા છતાં 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા યથાવત રહેશે. જમ્મૂ-કશ્મીરના ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરીએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓએ ડરવાની જરૂર નથી. સૂત્રોના જણાવ્યા મુજબ 3 જુલાઈથી શરૂ થનારી યાત્રા માટે નવી સુરક્ષા યોજના લાગુ કરાશે.
વિશેષ કેન્દ્રિય કમાન્ડ સેન્ટર 24 કલાક યાત્રા પર નજર રાખશે. પહેલગામ અને સોનમાર્ગમાં પ્રવાસીઓની આવજા રોકી શકાય છે. તમામ ટ્રાન્ઝિટ કેમ્પમાં કડક સુરક્ષા રહેશે. ડ્રોન તથા અન્ય ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ વધારવામાં આવશે. યાત્રામાં સામાન્ય રીતે નિયુક્ત રહેતાં દોઢ લાખ સુરક્ષા કર્મચારીઓની સંખ્યા પણ વધારવામાં આવશે.
અમરનાથ યાત્રામાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. માત્ર અમરનાથ જ નહીં, પણ વૈષ્ણો દેવી ધામની યાત્રા પર પણ આ હુમલાનો અસર પડી શકે છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવેલો આ હુમલો લોકોમાં ભય ફેલાવી રહ્યો છે. માહિતી મળી છે કે પહેલગામમાં થયેલા આ આતંકી હુમલામાં આશરે 8 થી 10 આતંકીઓ સામેલ હતા, જેમાંથી 2-3 સ્થાનિક મદદગારો હતા અને 5 થી 7 આતંકી પાકિસ્તાનથી આવેલા હતા. સ્થાનિક લોકોની મદદથી જ આ હુમલો શક્ય થયો હતો. જાણકારી અનુસાર આતંકીઓ સ્થાનિક ભાષામાં વાતચીત કરી રહ્યા હતા જેથી કોઈને શંકા ન જાય. આ હુમલામાં કુલ 28 લોકોનાં મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.