ગઈકાલે કાશ્મીર ખીણના પહેલગાવમાં થયેલા ત્રાસવાદી હુમલા તથા 28 સહેલાણીની હત્યામાં જવાબદાર આતંકીઓને શોધવા સેન્યનું તલાશી-અભિયાન-એન્કાઉન્ટરની તૈયારી ઝડપથી આગળ વધી રહી છે તે વચ્ચે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમની સાઉદી અરેબિયાની મુલાકાત અધુરી મુકીને દિલ્હી પરત આવી ગયા હતા અને એરપોર્ટ પર જ તાકીદની બેઠકમાં પરીસ્થિતિ જાણી હતી.
આ હુમલા બાદ ભારત સરકાર પુરી રીતે એકશનમાં છે. એક તરફ ગૃહમંત્રી શ્રી અમીત શાહ રાત્રીના જ શ્રીનગર પહોંચી ગયા હતા અને સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંઘ પણ પાટનગર પરત ફર્યા હતા તથા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ પણ તેમનો પોર્ટુગલ પ્રવાસ ટુંકાવે તેવી ધારણા છે. સેનાની ત્રણેય પાંખના વડા પણ દિલ્હીમાં મૌજૂદ છે અને નોર્ધન કમાન્ડના વડાને પણ તાત્કાલીક પાટનગર પહોંચવા જણાવી દેવાયુ છે.
વિમાની મથકે શ્રી મોદીએ વિદેશમંત્રી શ્રી એસ.જયશંકર તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલ અને વિદેશ સચીવ સાથે બેઠક યોજી હતી અને બાદમાં સવારે 11 વાગ્યે દિલ્હીમાં સલામતી અંગેની કેબીનેટ કમીટીની બેઠક મળશે અને બાદમાં પણ બેઠકો અને આ હુમલા બાદના સરકારના એકશનની તૈયારી થશે.
પુલવામા બાદના આ સૌથી મોટા હુમલામાં ખાસ કરીને ટુરીસ્ટને નિશાન બનાવાયા છે તે સૌથી મોટો હુમલો અને ત્રાસવાદીઓ આર્મીના યુનિફોર્મમાંજ હતા તથા તેથી ભાગ્યે જ કોઈને શંકા ગઈ હતી.
શ્રી મોદીએ સાઉદી પાટનગર રીયાધમાં પણ તેમની ક્રાઉન પ્રિન્સ સાથેની મુલાકાત બે કલાક વિલંબમાં મુકીને દિલ્હીથી આ હુમલાની માહિતી મેળવી હતી તથા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ સાથે પણ વાતચીત કરી હતી.
બાદમાં શ્રી શાહ તુર્તજ શ્રીનગર જવા રવાના થયા હતા. આજે સલામતી બાબતોની કેબીનેટ બેઠક બાદ વડાપ્રધાન દેશને પણ સંબોધન કરે તેવા સંકેત છે. શ્રી મોદીએ આ હુમલા અંગે સોશ્યલ મીડીયા પ્લેટફોમ પર પહેલગાવમાં થયેલા આતંકી હુમલા અંગે કહ્યું કે, જે લોકો આ હુમલા માટે જવાબદાર છે તેઓને છોડવામાં આવશે નહી. આતંકવાદ સામે આપણી લડાઈમાં અડગ છીએ અને આ નાપાક હરકતોનો જવાબ અપાશે.
વડાપ્રધાન મોદી દેશને સંબોધીત કરે તેવા સંકેત
અમિત શાહ કાશ્મીરથી પરત આવે પછી વધુ એક નિર્ણાયક બેઠક
કાશ્મીરમાં આતંકી હુમલાથી સમગ્ર દેશભરમાં જબરો ગુસ્સો છે અને મોદી સરકાર પણ આકરા જવાબની તૈયારીમાં છે તે સમયે હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે જ દેશને સંબોધન કરી શકે છે શ્રી મોદી આ હુમલાથી અત્યંત વ્યથિત છે 28 થી વધુ સહેલાણીઓના મૃત્યુ અને જે દહેશત સર્જાઈ તે દર્શાવે છે કે આતંકીઓ અને તેના આકાઓનું જે લક્ષ્ય હતું તે પાર પાડવામાં આવ્યુ છે.
તેની વડાપ્રધાન હવે સમગ્રે દેશને વિશ્વમાં લઈને આકરા નિર્ણયો કરશે તે નિશ્ચિત છે. દિલ્હીથી મળતા સંકેતો મુજબ આજે શ્રી અમિત શાહ શ્રીનગરથી પરત આવી ગયા બાદ વધુ એક ઉચ્ચ કક્ષાની બેઠક યોજાશે અને તે બાદ શ્રી મોદી દેશને સંબોધન કરી શકે છે. આ ઉપરાંત તેઓ પણ કાશ્મીરમાં ઈજાગ્રસ્તોને મળવા જાય તેવી શકયતા નકારાતી નથી અને તે અંગેનો કાર્યક્રમ અત્યંત ગોપનીયતાથી નિશ્ચિત કરાશે