સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઈકાલના ભયાનક હુમલામાં સંડોવાયેલા ચાર આતંકવાદીઓના ફોટા જાહેર કર્યા છે, જેમાં 26 પ્રવાસીઓના મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમાંથી ત્રણના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલહા છે. આ તમામ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે અને ઓછામાં ઓછા બે વિદેશી હોવાનું માનવામાં આવે છે. દેશ આ દુર્ઘટનાનો સામનો કરી રહ્યો છે ત્યારે, સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓને પકડવા અને આ હુમલા પાછળના ઘાતકી કાવતરાનો પર્દાફાશ કરવા માટે સઘન પ્રયાસો કરી રહી છે.
પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના એક પ્રોક્સી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે ગઈકાલના હુમલાની જવાબદારી સ્વીકારી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક કાશ્મીરની મુલાકાત લીધી હતી અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
સાઉદી અરેબિયામાં રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક ભારત પરત ફર્યા હતા. અગાઉ, વડાપ્રધાને આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી અને અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આ ઘાતકી કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે… તેમને છોડવામાં નહીં આવે! તેમનો દુષ્ટ એજન્ડા ક્યારેય સફળ નહીં થાય. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અડગ છે અને તે વધુ મજબૂત બનશે.”
ગૃહમંત્રી અમિત શાહે આજે મૃતદેહોને તેમના વતન મોકલવામાં આવે તે પહેલાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “ભારે હૃદય સાથે, પહેલગામ આતંકવાદી હુમલાના મૃતકોને અંતિમ સન્માન આપ્યું. ભારત આતંકવાદ સામે ઝૂકશે નહીં. આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાના ગુનેગારોને છોડવામાં નહીં આવે.” બચી ગયેલા લોકોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ તેમને તેમનો ધર્મ પૂછ્યો હતો અને પછી પુરુષોને ગોળી મારી દીધી હતી. માર્યા ગયેલા લોકોના મૃતદેહો હવે તેમના ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સને ભાવો નિયંત્રણમાં રાખવા જણાવ્યું છે જેથી કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓ તેમના ઘરે પાછા ફરી શકે. આ આતંકવાદી હુમલા બાદ દિલ્હી અને મુંબઈ સહિત દેશના મુખ્ય શહેરોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.