અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેડેલી ટ્રેડવોર તથા ભારત પર પણ સર્જેલા દબાણ વચ્ચે આજે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સ તેમના ભારતીય મૂળના પત્ની ઉષા વેન્સ સાથે સાથે ભારત આવી પહોંચ્યા છે અને ભારત અમેરિકા વચ્ચેના વ્યાપાર સહિતના ક્ષેત્રે આ મુલાકાત મહત્વની બની રહેશે.
વેન્સ દંપતિ તેના ત્રણેય સંતાનો અને એક ઉચ્ચ પ્રતિનિધિમંડળ સાથે દિલ્હી પહોંચ્યા છે. તેઓ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી શ્રી એસ.જયશંકર સહિત દેશના ઉચ્ચ પદાધિકારીઓ સાથે દ્વીપક્ષી મંત્રણા યોજશે.
રાત્રીના વેન્સ દંપતિના સન્માનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાત્રી ભોજનનું આયોજન કર્યુ છે. શ્રી વેન્સ તેમના પરિવાર સાથે આજે પહેલા વિખ્યાત અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે અને બાદમાં તેઓ તાજમહાલ નિહાળવા આગ્રા પણ જશે. બાદમાં તેઓ જયપુર જશે. ત્યાં પણ તેમના સ્વાગત માટે પરંપરાગત રાજસ્થાની રીતે ભવ્ય આયોજન કરાયુ છે. તેમાં તા.24ના રોજ અમેરિકા પરત જવા રવાના થશે.
શ્રી વેન્સની આ મુલાકાત સમયે બન્ને દેશો વચ્ચે વ્યાપાર સમજુતી મુખ્ય એજન્ડા હશે. આ ઉપરાંત તેમની સાથે અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગોનના ઉચ્ચ અધિકારીઓ પણ ભારત આવ્યા છે.
ત્યારે વિદેશ વિભાગ સાથેની બેઠકમાં વિદેશમંત્રી એસ.જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલ અને વિદેશ સચીવ શ્રી વિક્રમ મિસ્ત્રી અને અમેરિકા ખાતેના ભારતના રાજદૂત મોહન કવાત્રા પણ જોડાશે. આજે સાંજે 6 વાગ્યે તેઓ વડાપ્રધાન નિવાસે શ્રી મોદી સાથે મુલાકાત કરશે. શ્રી વાન્સ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ માટેના એરફોર્સ ટુ- ખાસ વિમાન મારફત આવ્યા છે. તેમને વિમાની મથકે ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતુ તથા પરંપરાગત ભારતીય નૃત્યો પણ દર્શાવાયા હતા તેમની આ પ્રથમ સતાવાર ભારત મુલાકાત છે.