ગુજરાત પોલીસે એક એવા સાધુની ધરપકડ કરી છે કે જેમણે પાંચ વર્ષથી અન્નનો દાણો પણ ચાખ્યો નથી અને તે દૂધ અને ફળ પર જીવે છે. આ સાધુ 1998 માં દાઉદને મારવા પાકિસ્તાન પહોંચ્યો હતો. પરંતુ એ કામમાં સાધુ સફળ થયો નહિ.
ગુજરાત પોલીસ દિલ્હીના તિહાર જેલમાંથી એક સાધુને લઈ આવી છે. તિહાર જેલના રેકોર્ડ મુજબ આ સાધુનું નામ પ્રકાશગીરી છે. પરંતુ ગુજરાત પોલીસના ચોપડે આ સાધુનું નામ બંટી પાંડે છે.
તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી અને આંતરરાષ્ટ્રીય ગેન્ગસ્ટર છે. તેમજ છોટા રાજન ગેંગના હિસ્સો છે. ગુજરાત પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે તેને દિલ્હીની તિહાર જેલમાંથી લઈ આવી છે.
મળતી માહિતી મુજબ, સાધુ 1993 સુધી પોતાની અલગ ગેંગ ચલાવતો હતો. મુંબઈ બ્લાસ્ટ બાદ બંટી પાંડે છોટા રાજનની ગેંગનો હિસ્સો બને છે. દરમિયાન રાજનને માહિતી મળે છે કે, દાઉદ પાકિસ્તાનમાં છે અને તેને મારવા બંટી પાંડે, વિકી અને ફરિદને પાકિસ્તાનના કરાંચી શહેર મોકલવામાં આવે છે.
કરાચીમાં આવેલ એક મસ્જિદ જ્યાં દાઉદ આવતો હતો ત્યાં આ ત્રણેય પહોંચે છે. પરંતુ એ સમયે ત્યાં સકીલ આવે છે અને ત્રણેય શખ્સો દાઉદને માર્યા વગર પાછા ફરે છે. બાદમાં છોટા રાજન પર થાઈલેન્ડમાં જ્યારે હુમલો થાય છે ત્યારે આ બંટી જ તેને બચાવે છે.
ઉપરાંત વર્ષ 2004 માં સુરતમાં એક ઘટના ઘટે છે, સુરતના મોટા ઉદ્યોગપતિ મુથુર અહેમદના દિકરા અબુઝારનું અપહરણ થાય છે. જે બંટી પાંડેએ કર્યું હતું અને 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પિતા પોતાના દીકરાને બચાવવા 5 કરોડ ચૂકવે છે પણ બંટી અબુઝારની હત્યા કરે છે.
મહારાષ્ટ્રની હદમાંથી તેનું ધડ મળે છે. આ મામલે એક ગુનો નોંધાય છે, જે ગુનામાં સંજય સિંહ પકડાય છે. તેના નિવેદનમાં બંટી પાંડેનું નામ આવે છે. આ ઘટનાની તપાસ ગુજરાત સીઆઇડી ક્રાઇમ ચલાવી રહી હતી. ત્યાર બાદ ગુજરાત સીઆઇડીની ટીમ તેને દિલ્હી તિહાર જેલથી 4 દિવસના રિમાન્ડ પર ગુજરાત લાવી છે.