અમદાવાદ: રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાંથી મહિલાઓના વીડિયો લીક થયા બાદ, સીસીટીવી કેમેરા હેક કરીને દેશભરમાં ચલાવવામાં આવી રહેલા પોર્નોગ્રાફિક વીડિયોના રેકેટનો પર્દાફાશ થયો છે. હવે એવું બહાર આવ્યું છે કે ટ્રેનના શૌચાલયમાં સ્પાય કેમેરા લગાવીને મહિલા મુસાફરોના વીડિયો બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં, અમદાવાદ રેલવે પોલીસે એક હાઉસકીપિંગ સભ્યની ધરપકડ કરી છે. આ કેસમાં થયેલા ખુલાસાઓથી રેલ્વેમાં મહિલા મુસાફરોની ગોપનીયતા અને સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
કઈ રીતે શૌચાલયમાં કેમેરા મળ્યો?
અમદાવાદ રેલ્વે પોલીસે ટ્રેનના ટોયલેટમાં સ્પાય કેમેરા લગાવીને મહિલા મુસાફરોના વીડિયો બનાવવાના આરોપસર ઝહિઉદ્દીન શેખની ધરપકડ કરી છે. આરોપ છે કે તે ટ્રેનના શૌચાલયમાં જાસૂસી કેમેરા લગાવતો હતો અને મહિલાઓના વીડિયો બનાવતો હતો. ૧૬ માર્ચે મુંબઈથી ભગત કી કોઠી જતી ટ્રેનમાં આ ઘટના પ્રકાશમાં આવી. જ્યારે ટ્રેનના ટોયલેટમાંથી એક સ્પાય કેમેરા જપ્ત કરવામાં આવ્યો હતો.
કેવી રીતે થયો ખુલાસો?
મળતી માહિતી મુજબ, જ્યારે વાયુસેનાનો એક સૈનિક શૌચાલયમાં ગયો ત્યારે તેને શંકા ગઈ કે ત્યાં કેમેરા લાગેલા છે. તેને પાવર બેંક મળી અને તેમાં એક કેમેરો મળ્યો. આ અંગે રેલવે અધિકારીઓને જાણ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઝહીરુદ્દીન મુંબઈમાં રહે છે અને ટ્રેનોમાં હાઉસ કિપીંગનું કામ કરે છે. રેલવે પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે કેટલી ટ્રેનોમાં આવા કેમેરા લગાવ્યા છે? તે અલગ અલગ ટ્રેનોમાં કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે કેમેરા વિડીયો ડેટા ક્યાં સ્ટોર કરતો હતો. ટ્રેનના શૌચાલયોમાં જાસૂસી કેમેરાની શોધ અને તેમાં ખાનગી કર્મચારીઓની સંડોવણીથી મુસાફરોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે.