દેશમાં માર્ચ માસના પ્રારંભથી જ જે રીતે તાપમાનનો પારો સતત ઉંચો જઈ રહ્યો છે અને વિજળીની માંગ પણ વધી રહી છે તેથી દેશમાં તમામ ગ્રીડ ઓપરેશનમાં એલર્ટ જારી કરી દેવાયુ છે અને અનેક રાજયોમાં તો હવે વિજ કાપ માટેની તૈયારી શરૂ થઈ છે.
હોળી-ધુળેટીના તહેવાર પુર્વે જ જે રીતે તાપમાન અસાધારણ રીતે ઉંચુ ગયું તે હવામાનશાસ્ત્રીઓ માટે પણ ચિંતા છે. જુની વાયકા મુજબ હોળી એ ટાઢ તાપીને જાય છે અને પછી તબકકાવાર તાપમાન વધે છે પણ હોળી ધુળેટી પુર્વે જ તાપમાને 40 ડીગ્રીનો પારો વટાવી દીધો હતો.
જેના કારણે ખેતી સહિતના સાધનોનો વપરાશ હવે સતત વધી રહ્યો છે. નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર એ વિજ પુરવઠા અંગે હાલમાં જ એક રિપોર્ટમાં જણાવ્યું કે હાલ જે રીતે માંગ વધી રહી છે તે આગામી એપ્રિલ બાદમાં મે અને જૂનમાં 15થી20 ગીગાવોટ વધી શકે છે.
જે પુરી કરવી ખૂબજ મુશ્કેલ છે. ગત વર્ષે 250 ગીગાવોટ વિજળીની માંગ હતી જેમાં પણ દેશના અનેક ભાગોમાં વિજ કાપ, સ્ટેગરીંગ બાદ પુરી કરી શકાઈ હતી. આ વર્ષે વિજળી 270 ગીગાવોટ કે તેથી વધુ રહી શકે છે અને તે વચ્ચે ગ્રીડ વ્યવસ્થા જાળવવી અઘરી બનશે.
રાજયોએ તેના નિયમ કરતા વધુ લોડની અપેક્ષા રાખવી જોઈએ નહી નહીતર લાઈન ડીસ્ટર્બ થતા વિજ વ્યવસ્થા ખોરવાઈ શકે છે અને આ ઉપરાંત વિજ કાપ માટે પણ તૈયાર રહેવા લોકોને સંકેત આપી દેવાયા છે.