પ્રયાગરાજ મહાકૂંભમાં મકર સંક્રાતિના મહા શાહીસ્નાનમાં કડકડતી ઠંડી વચ્ચે પણ શ્રધ્ધાનો સમંદર ઘુઘવ્યો હતો.સાડા ત્રણ કરોડથી વધુ ભાવિકોએ પવિત્ર ડુબકી લગાવી હતી અને સર્વત્ર હર હર ગંગે અને મહાદેવનાં જયઘોષ સાતે અલૌકીક માહોલ સર્જાયો હતો. કાતિલ ઠંડીથી હાર્ટએટેક જેવી ઘટનાઓમાં છ શ્રધ્ધાળુઓના મોત થયા હતા અને અનેકને આરોગ્ય સમસ્યા સર્જાતા સારવાર આપવામાં આવી હતી.
મહાકુંભમાં મકર સંક્રાતિના પ્રથમ શાહી સ્નાનમાં ગઈકાલે સુર્યોદય પૂર્વે જ સનાતન ધર્મનાં ધ્વજવાહન 13 અખાડાઓનાં સાધુસંતો તથા નાગા સન્યાસીઓ અમૃત સ્નાન માટે પહોંચી ગયા હતા સૌ પ્રથમ મહાનિર્વાણી તથા અટલ અખાડાનાં સન્યાસીઓએ અમૃતસ્નાન કર્યું હતું અને ત્યારબાદ ક્રમવાર 13 અખાડાનાં સાધુ સંતોએ ગંગામાં ડુબકી લગાવી હતી.
ગંગાસ્નાન બાદ પરત ફરતા સન્યાસીઓની ચરણરજ લેવા ભાવિકોએ લાઈનો લગાવી હતી. પરોઢીયેથી રાત સુધી ચાલુ રહેલા શાહીસ્નાન દરમ્યાન શ્રધ્ધાળુઓ પર હેલીકોપ્ટર મારફત પુષપવર્ષા કરવામાં આવી હતી. સર્વત્ર હર હર ગંગે અને મહાદેવનાં ગગનભેદી ઘોષથી વાતાવરણ ગુંજતુ રહ્યું હતું.
મહાકુંભમાં કડકડતી ઠંડી વચ્ચે શ્રધ્ધાળુઓએ ગંગામાં ડુબકી લગાવી હતી અને તે દરમ્યાન હાર્ટએટેક જેવા કારણોસર એનસીપી નેતા સહીત છ લોકોના મોત નીપજયા હતા જયારે 57 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રનાં સોલાપુરનાં પૂર્વ મેયર તથા એનસીપીનાં નેતા મહેશ કોડે હાર્ટએટેક આવતા તેમનુ મોત થયુ હતું. ગંગાસ્નાન બાદ તેઓ બેભાન થઈ ગયા હતા.આ સિવાય એક નાગા સન્યાસી સહીત અન્ય પાંચ લોકોના પણ મોત થયા હતા. જયારે સૈન્યનાં પૂર્વ બ્રિગેડીયર, બે મહંત સહીત 10 લોકોને હાર્ટએટેકથી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મહાકુંભનાં વહીવટી તંત્રના રીપોર્ટ મુજબ જુદા જુદા કારણોસર 6000 લોકોની તપાસ કરવામાં આવી હતી.જેમાંથી 57 લોકોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કલ્પવાસમાં લોરેન પોવેલ જોબ્સ બિમાર પડી ગઈ
વિદેશી અબજોપતિ ઉદ્યોગપતિ સ્ટીવ જોબ્સના પત્નિ લોરેન પોવેલ જોબ્સ પણ મહાકુંભમાં કલ્પવાસ માટે આવ્યા છે પરંતુ બીજા દિવસે જ તે બિમાર પડી ગઈ હતી. નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્ર્વર સ્વામી કૈલાશાનંદગીરીએ કહ્યું કે લોરેનના હાથ થીજી ગયા છે અને એટલે અમૃત સ્નાન કરી શકી નથી.