કેલેન્ડર વર્ષનાં આજના છેલ્લા દિવસે દુનિયાભરમાં જશ્નનો માહોલ સર્જાવાનું સ્પષ્ટ છે.નશાબંધી કાયદો ધરાવતા ગુજરાત માટે દારૂ અને પીધેલાઓને પકડવાનો મોટો પડકાર છે ત્યારે પોલીસે નવી રણનીતિ બનાવી છે. લીસ્ટેડ બુટલેગરોની ગતિવિધી પર નજર રાખવા માટે માર્કર મુકી દેવામાં આવ્યા છે દારૂની હેરાફેરી રોકવા માટે આ એકશન પ્લાન લાગુ કરવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસનાં સીનીયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂની સપ્લાય ચેઈન રોકી દેવા માટે આ સ્ટે્રટેજી અપનાવવામાં આવી છે. આ રણનીતિ મુજબ લીસ્ટેડ બુટલેગરનાં નિવાસસ્થાન નજીક પોલીસ તૈનાત રહેશે અને તે જયાં જાય તેની પાછળ જશે અને તેની સમગ્ર ગતિવિધી પર નજર રાખશે.
અમદાવાદનાં એડીશ્નલ પોલીસ કમિશ્નર નિરજ બડગુજરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે દારૂની સપ્લાય ચેઈન જ ખોરવી નાખવામાં ટારગેટ સાથે તમામ બુટલેગરો પર વોચ રહેશે.દારૂની હેરાફેરી રોકવા માટે 24/7 નું ખાસ ઓપરેશન લાગુ કરી દેવામાં આવ્યું છે.
માત્ર દારૂ જ નહિં અન્ય પ્રકારના સંભવીત ગુના રોકવાનો પણ આશય છે. બુટલેગરો બારોબાર દારૂની સપ્લાય ન કરી શકે તે માટે હોટેલ-ફાર્મહાઉસ સહિતના ક્ષેત્રોમાં સતત નજર રાખવામાં આવશે.માત્ર અમદાવાદમાં જ 1770 લીસ્ટેડ બુટલેગરો છે.
દારૂભંગનાં ગુન્હા પર પોલીસે ભીંસ વધારી દીધી છે. ચાલુ મહિનામાં જ શરાબ સબંધી 1530 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા હતા.દારૂ પીધેલા દ્વારા સર્જાતા અકસ્માતો પછી પોલીસ તંત્રની ભારે ભારે ટીકા થવા લાગી હતી જે પછી દારૂબંધીના કડક અમલ માટે નવી સ્ટ્રેટેજી બનાવવામાં આવી હતી.
વિદેશી શરાબના ભાવ બે વર્ષમાં ડબલ
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે હેલ્થ પરમીટ ધારકો કે બીજા રાજયો દેશમાંથી આવતા લોકો પ્રવાસીઓને શરાબની છૂટ જ છે.શરાબ વેચાણની માન્યતા ધરાવતા ‘વાઈનશોપ’ના માલિકોએ કહ્યું કે, વિદેશી-પ્રિમીયમ શરાબની બોટલો ઘણી મોંઘી થઈ ગઈ છે. શરાબનાં વેચાણમાં ચાલુ વર્ષે સરેરાશ 15 ટકાનો વધારો થયો છે.પરંતુ ઈર્મ્પોટેડ કરતા ભારતીય દારૂનું જ વેચાણ વધ્યુ છે.
વિદેશી દારૂ આયાત જકાતમાં વધારો ઉંચા ભાડા જેવા કારણે મોંઘો થયો છે. ગુજરાતમાં તો વધારાની ડયુટી ચુકવવી પડે છે. 1500 ની એક બોટલ પર 375 ની વિશેષ ફી તથા 65 ટકા વેટ લાગે છે. 1500 થી ઉંચી કિંમતની બોટલ પર ખાસ ફી પણ રૂા.1500 થાય છે.એટલે નેટ કિંમત વધી જાય છે.
2022 માં 1500 માં મળતી આઈરીશ વ્હીસ્કીની બોટલનો નેટ ભાવ 3093 થતો હતો હવે આ વ્હીસ્કીની બોટલ 2100 ની થઈ છે ટેકસ ઉમેરાતા 5940 થાય છે એટલે લોકોની ડીમાંડ ઘટી ગઈ છે.