સુરતમાં હીરા ઉદ્યોગની ડામાડોલ સ્થિતિ અંગે સરકાર બેફીકર છે, રાજયની આર્થીક રાજધાની સુરતના હીરા ઉદ્યોગની હાલની સ્થિતિ પાછળના કારણો અંગે સરકાર તાત્કાલિક વિચાર કરે. ગુજરાતમાં ડ્રગ્સ કેસ, દુર્ષ્ક્મ કેસ, ખ્યાતિકાંડ, પેપર લીક, લૂંટ, છેતરપીંડી અને છેડતીને જેવા મુદાઓને લઈને કોંગ્રેસે ભાજપ સરકારને આડે હાથ લીધી છે.
રાજયસભા સાંસદ મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ, વિધાનસભા વિપક્ષ નેતા અમીત ચાવડાએ સુરતમાં પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મીડિયા પણ ગુજરાતની પરિસ્થિતિ જુએ છે. ગુજરાતમાં એક વર્ષમાં 169 બાળકીઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ બની છે. સમાજની કોઈપણ વ્યકિત માટે આવી ઘટનાઓ શરમજનક છે. ભાજપ સરકાર સારા અને નિષ્ઠાવાન અધિકારીઓને સાઈડલાઈન કરે છે અને હપ્તા લઈને બદલીઓ થાય છે. રાજયમાં ડ્રગ્સનો કાળો કારોબાર બેફામ વધ્યો છે.
સુરતની સ્થિતિ અંગે શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સુરત રાજયની આર્થીક રાજધાની છે. પરંતુ સુરતના મુખ્ય ઉદ્યોગ હીરા બજારની હાલની સ્થિતિ ખરાબ કેમ થઈ તેનો વિચાર કરવાની જરૂર છે.
મેં સંસદમાં કહ્યું હતું કે ચાઈનાથી આવતા ડાયમંડ પર બ્રેક નહીં લગાવશો તો ડાયમંડ ઈન્ડસ્ટ્રી મુશ્કેલીમાં મુકાશે, પરંતુ આ ડાયમંડને બંધ કરવાને બદલે પીએમ અમેરીકા ગયા અને ત્યાંના પ્રેસીડેન્ટની પત્નીને સિન્થેટીક ડાયમંડ ગીફટમાં આપ્યો હતો. આના કારણે વિશ્વમાં એવો સંદેશો ગયો કે, ભારતમાં ઓરીજનલ હીરા બનતા નથી’.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સુરતની ઓળખ સમગ્ર વિશ્વમાં આર્થીક હબ તરીકે છે, જે ડાયમંડ ઉદ્યોગમાં રત્નકલાકાર ડાયમંડને ચમકાવે છે તે રત્નકલાકાર આજે મુશ્કેલીમાં છે. 80 જેટલા રત્નકલાકારોએ આપઘાત કર્યા હોવાના પણ કિસ્સા સામે આવ્યા છે.