સુરત: એર ઈન્ડિયા એક્સપ્રેસે શુક્રવારે સુરતથી બેંગકોક માટે તેની પ્રથમ ફ્લાઈટ શરૂ કરી હતી. આ ફ્લાઈટ સંપૂર્ણ હાફસફુલ થઈ ગઈ હતી અને પેસેન્જરોએ ખૂબ એન્જોય પણ કર્યું હતું. જ્યારે તેમણે સુરત અને બેંગકોક વચ્ચેની આ મુસાફરીનો અનુભવ શેર કર્યો, ત્યારે આ વીડિયો તરત જ વાયરલ થઈ ગયો. દારૂબંધીવાળા રાજ્યમાં રહેતા લોકોને નવાઈ લાગી અને ઘણાને ખૂબ મજા પણ પડી. જો કે આ વાયરલ વીડિયો અને ફ્લાઈટમાં દારૂ ખૂટી જવાની ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી છે.
અહેવાલો અનુસાર, સુરતથી મુસાફરી કરી રહેલા મોજીલા મુસાફરોએ માત્ર 4 કલાકની અંદર જ 15 લિટર દારૂ દીંચી લીધો હતો. ગુજરાતી પ્રવાસીઓ દ્વારા સૌથી વધુ પીવામાં આવેલા દારૂમાં ચિવાસ રીગલ, બકાર્ડી અને બિયરનો સમાવેશ થાયો હતો, જેની કિંમત રૂ. 1.8 લાખ ગણનામાં આવી છે. વપરાશ એટલો મોટો હતો કે ફ્લાઈટ ક્રૂ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે સ્ટોકમાં રહેલો સમગ્ર દારૂનો જથ્થો સમાપ્ત થઈ હયો હતો.
બેંગકોકની ફ્લાઈટમાં ગુજરાતી ભોજનની મોજ
સૂત્રોએ જણાવ્યું હતું કે બેંગકોક પહોંચતા પહેલા જ ક્રૂએ જાહેર કરવું પડ્યું હતું કે ફ્લાઈટ પર આલ્કોહોલ આઉટ ઓફ સ્ટોક થઈ ગયો છે. આ ઉપરાંત પણ આ પ્રવાસ તેની પરંપરાગત ફ્લાઈટ્સ કરતાં એટલા માટે અલગ હતો, કારણ કે પેસેન્જરોએ જે દારૂનો સ્વાદ પિઝા જેવી અન્ય આઇટમ્સ નહીં, પરંતુ થેપલા અને ખમણ જેવા પરંપરાગત ગુજરાતી નાસ્તા સાથે માણ્યો હતો.
સુરતીઓએ ભારે કરી
બેંગકોકની ફ્લાઈટમાં સુરતી પ્રવાસીઓ તેમની સાથે થેપલા અને ખમણ લઈને આવ્યા હતા. પ્લેન ઉપડતાની સાથે જ તેઓ ચશ્મા કાઢ્યા અને દારૂનો ઓર્ડર આપવા લાગ્યા હતા. જ્યાં 300 મુસાફરો સાથેની આ ફ્લાઈટ 4 કલાકમાં બેંગકોક પહોંચવાની હતી, ત્યાં ઉતરતા પહેલા જ દારૂનો જથ્થો પૂરો થઈ ગયો હતો.
ગુજરાતીઓ દારૂ પીવા માંગે છે!
આ વીડિયોએ ગુજરાતની પ્રતિબંધિત નીતિને લઈ ચર્ચા જગાવી છે, જેમાં એક સોશિયલ મીડિયા યુઝરે ટિપ્પણી કરી હતી કે, ‘આ સ્પષ્ટ સંકેત છે કે ગુજરાતના રહેવાસીઓ દારૂનું સેવન કરી શકે છે અને કરવા માંગે છે. કદાચ રાજ્ય માટે તેની પ્રતિબંધ નીતિની સમીક્ષા કરવાનો અને નિયંત્રિત દારૂના વેચાણ દ્વારા સંભવિતપણે આવક મેળવવાનો સમય આવી ગયો છે. ખાસ કરીને રાજ્યમાં હાલના ગેરકાયદેસર વેપારને ધ્યાનમાં રાખીને બદલાવ જરૂરી છે.
એક યુઝરે લખ્યું, ‘સુરતથી બેંગકોકની પહેલી ફ્લાઈટ એક શાનદાર ફ્લાઈટ હતી! ઉદઘાટન પ્રવાસમાં 98% મુસાફરો સાથે, એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ શૈલીમાં ઉપડી. મુસાફરો તેમના મનપસંદ નાસ્તા જેવા કે થેપલાસ, ખમણ અને પિઝા સાથે લાવ્યા, જે પ્રવાસને સાચી સુરતી ઉજવણી બનાવે છે. ઇન-ફ્લાઇટ સેવા પણ હિટ હતી, કારણ કે તમામ નાસ્તા અને પીણાં સંપૂર્ણપણે વેચાઈ ગયા હતા. સુરત હવે બેંગકોકથી માત્ર એક ફ્લાઇટ દૂર છે, અને શરૂઆત જ સુપરહિટ રહી છે!’
ગુજરાતમાં દારૂબંધી કેટલી યોગ્ય?
ગુજરાતમાં દારૂના વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ છે. રાજ્યમાં 1960 માં તેની રચના થઈ ત્યારથી પ્રતિબંધનો કાયદો છે, પરંતુ તેણે રહેવાસીઓને દારૂ પીવાથી રોક્યો નથી. ગુજરાત સરકારે તાજેતરમાં ગાંધીનગરમાં બનેલા ભારતના પ્રથમ નાણાકીય સેવા કેન્દ્ર, ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (GIFT)માં દારૂ પીવાની મંજૂરી આપી છે. જો કે, તેમાં ઘણા કાયદાકીય તાણા-વાણા રહેલા છે.