ઉત્તરાયણના તહેવારને હવે થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારમાં વિવિધ પ્રકારની પતંગોનું વેચાણ શરુ થઇ ગયું છે. બાળકો તો એક મહિના અગાઉથી જ પતંગ ચગાવવાનું શરુ કરી દે છે. બજારમાં દર વર્ષે નવા-નવા ટ્રેન્ડ મુજબ પતંગોનું વેચાણ થાય છે. ત્યારે આ વર્ષે પણ મોદી, અમીત શાહની જોડીવાળી પતંગ ટ્રેન્ડીંગમાં છે. આ ઉપરાંત બાળકોની મનપસંદ કાર્ટુનવાળી પતંગનું વેચાણ થઇ રહ્યું છે.
પતંગના રસિયાઓ સપ્તાહ પૂર્વે જ ઉત્સાહપૂર્વક પતંગ ખરીદી ચગાવવાનું શરુ કરી દે છે અને ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી ધાબા ઉપર ચડી પતંગ ઉડાડવાની મોજ માણે છે. ઉત્તરાયણના દિવસે અગાસી પર લોકોની ભીડ જામી હોય છે.
પરિવારના લોકો અગાસી પર ભેગા થાય અને જીંજરા, ચીકી, શેરડી આરોગી પતંગ ઉડાડવાની મોજ માણે છે. ચારોતરફ કાપ્યો છે….નો નાદ ગુંજે છે અને ડીજેના સથવારે ગીતો વગાડવામાં આવે છે અને આકાશ રંગબેરંગી વિવિધ પતંગોથી છવાય જાય છે.
પતંગના વેપારીનું કહેવું છે કે, દર વર્ષની માફક આ વર્ષે પણ ઉતરાયણના તહેવારને લઇ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. 3 મહિના પહેલા જ માલ મંગાવવાનું શરી કરી દીધું હતું. હાલ ઉતરાયણના તહેવારને વાર છે ત્યારે હોલસેલમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ રીટેલ ખરીદી તહેવારના એક સપ્તાહ પૂર્વે જ દેખાશે.
હાલ પતંગનો માલ ખંભાત, નડીયાદમાંથી આવી રહ્યો છે. દર વર્ષની માફક પતંગમાં મોદી, અમીત શાહની જોડીવાળી તેમજ નવું વર્ષ 2025ને આવકારતી પતંગ ટ્રેન્ડમાં છે. આ ઉપરાંત તાજેતરમાં રીલીઝ થયેલ પુષ્પા-2 પણ પતંગમાં છવાય છે. બાળકોમાં છોટાભીમ, કાર્ટુન, ક્રિષ્નાના ફોટાવાળી પતંગનું વેચાણ થઇ રહ્યું છે.
જેમાં પ્લાસ્ટીક અને કાગળની પતંગ બજારમાં જોવા મળી રહી છે. આ વખતે પતંગ અને દોરા બન્નેમાં 15 થી 20 ટકાનો ભાવવધારો થયો છે. આપણી બજારમાં કાચા દોરાથી લઇ પાકો દોરો ખરીદાય છે. પતંગ રસિયાઓ ખાસ કાચો દોરો ખરીદી દોરાને પાકા કલરનો માંજો તૈયાર કરાવે છે જેથી તેઓ વધુને વધુ પતંગો કાપી શકે.
બજારમાં ચાઇનીઝ દોરાના વેચાણ પર પ્રતિબંધ છે. આથી વિવિધિ રંગની પાકા કલરની ફીરકી વહેંચાય રહી છે. ઉત્તરાયણનો તહેવાર એક દિવસનો હોય છે પરંતુ તેની તૈયારીઓ મહિનાઓ પૂર્વે કરવામાં આવે છે. પતંગ હાલ નડીયાદ, અમદાવાદથી આવે છે. દોરાની ફીરકી 1000 વારથી લઇ 5000 વાર સુધીની બજારમાં ઉપલબ્ધ છે. જેનો ભાવ રૂા.200થી 1500 સુધીનો છે. ઉત્તરાયણના દિવસ માટે ખાલી પતંગ ફીરકીજ નહીં પરંતુ પીપુડા, ટોપી, બલુન સહિતની ખરીદી પણ થાય છે.
પતંગ અને દોરાના ભાવમાં 15 થી 20 ટકાનો ભાવવધારો
જેમ જેમ ઉત્તરાયણ નજીક આવશે તેમ તેમ પતંગ અને દોરાની ખરીદીમાં વધારો થશે. હાલ હોલસેલ ખરીદી થઇ રહી છે ત્યારે પતંગના વેપારીઓનું કહેવું છે કે, આ વર્ષે પતંગ અને દોરાના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે. આ વખતે કોટનનું ઉત્પાદન ઓછું થયું છે.
આથી દોરો બનાવવા માટે સમસ્યાઓ સર્જાઇ રહી છે. આ વષે4 દોરાની પણ અછત છે. આ ઉપરાંત પતંગમાં કમાન અને કાગળના ભાવ વધતા પતંગના ભાવમાં વધારો થયો છે. હાલ પતંગો નડીયાદ, અમદાવાદથી આવી રહી છે જ્યારે કોથળીવાળી પતંગના ભાવના વધારો થયો નથી. હજુ ઉત્તરાયણની તહેવારને થોડા દિવસો બાકી છે જેમ દિવસો નજીક આવશે તેમ ખરીદી વધુ તેજ બનશે.