- જિલ્લા કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં વેપારીઓનો મોરચો પહોચ્યો
સુરતઃ શહેરના ભાગળ રાજમાર્ગ પર આવેલી મસ્કતી હોસ્પિટલ પાસે મેટ્રો સ્ટેશનના કામના કારણે વેપારીઓને હાલાકી પડી રહી છે, જેથી તેમના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં વેપારીઓ મોરચો લઈ કલેક્ટર કચેરી પહોંચ્યાં હતાં. તેમનું કહેવું છે કે વેપારીઓને પડી રહેલી મુશ્કેલી અંગે વારંવાર રજૂઆત છતાં, GMRCના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. વેપારીઓના પ્રશ્નો તથા વળતરના મુદ્દાનું યોગ્ય નિરાકરણ નહીં આવતા વેપારીઓએ મોરચો માંડ્યો હતો.
અસરગ્રસ્ત વેપારી અને તેમના પરિવારના આક્ષેપ
આક્ષેપ છે કે, કામ શરૂ કરતા પહેલા લેખિતમાં વળતર આપવાની ખાતરી આપી હતી દસ મહિના સુધી વળતર આપ્યા બાદ બંધ કરી દેવાયું છે. થોડું ઘણું વળતર આપવામાં આવતું હતું તે પણ બંધ કરી દેવાતા ભારે મુશ્કેલી થઈ રહી છે. મેટ્રો સ્ટેશનની કામગીરીના પગલે ધંધા વેપાર સંપૂર્ણ ઠપ થઈ ગયા છે અને મેટ્રોના અધિકારીઓ દેખાતા શુદ્ધા નથી.
કઈ રીતે ઉજવવો તહેવાર?
વેપારીઓનું કહેવું છે કે સામી દિવાળીએ પરિવાર જોડે કઈ રીતે તહેવાર ઉજવવો તે એક ગંભીર પ્રશ્ન થઈ ગયો છે. ઘરમાં એકનો એક વ્યક્તિ કમાવવા વાળો, પરંતુ ધંધો વેપાર ઠપ થવાના કારણે જીવન નિર્વાહ કરવું મુશ્કેલ છે. છ થી આઠ ફૂટ રસ્તો ખુલ્લો કરવાની મેટ્રોએ ખાતરી આપી છે, પરંતુ વેપારીઓની માંગ છે કે રસ્તો સંપૂર્ણ ખુલ્લો કરી દેવામાં આવે અન્યથા વેપારીઓને પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવે.