દિલ્હી-એનસીઆરમાં કિડની રેકેટના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન ઈન્ડિયન એક્સપ્રેસે તપાસ હાથ ધરી છે, જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક મહિનામાં દિલ્હી-એનસીઆરની બે લોકપ્રિય હોસ્પિટલોની સિસ્ટમમાં રહેલી ખામીઓનો ફાયદો ઉઠાવીને કિડની ટ્રાન્સપ્લાન્ટના નામે બ્લેક માર્કેટિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ૧૦ આરોપી અને એક સર્જનની સિન્ડિકેટની ધરપકડ કરી હતી. ૫૦ વર્ષીય સર્જન ડો. વિજયા રાજકુમારીએ છેલ્લા ત્રણ વર્ષમાં નોઈડાની એપોલો અને યથાર્થ હોસ્પિટલમાં ૨૦ થી ૨૫ બાંગ્લાદેશી દર્દીઓ પર કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા હતા.
પોલીસે ૧ જુલાઈના રોજ સર્જનની ધરપકડ કરી હતી. જોકે હવે તે જામીન પર બહાર છે. તેણે કોર્ટમાં તમામ આરોપોને પણ નકારી કાઢયા છે. દરમિયાન, પોલીસે ૨૦૧૮ થી ૨૦૨૪ દરમિયાન નોઈડાની એપોલો અને યથાર્થ હોસ્પિટલોમાં બાંગ્લાદેશી દર્દીઓ પર કરવામાં આવેલા ૧૨૫ થી ૧૩૦ કિડની ટ્રાન્સપ્લાન્ટની વિગતો માંગી છે.
ધરપકડ કરાયેલા લોકોમાં બે બાંગ્લાદેશી નાગરિકો અને ભારતમાં મેડિકલ ટુરિઝમમાં કામ કરતા એક અનુવાદકનો પણ સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. એપ્રિલમાં જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશીઓ માટે કરવામાં આવતા અંગ પ્રત્યારોપણ અંગે ચેતવણી જારી કરી હતી. આ પછી દિલ્હી પોલીસ સક્રિય થઈ અને કેસની તપાસ શરૂ કરી.
આ મામલે ૧૭ જૂને ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ દિલ્હી પોલીસે ચાર્જશીટ તૈયાર કરી હતી. દિલ્હી હાઈકોર્ટે ૨૩ ઓગસ્ટના રોજ ડોક્ટર રાજકુમારીને જામીન આપ્યા હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ડૉ. રાજકુમારી મુખ્યત્વે ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ સાથે સંકળાયેલા હતા. નોઈડાની એપોલો હોસ્પિટલ અને દિલ્હીમાં ઈન્દ્રપ્રસ્થ એપોલો હૈદરાબાદ સ્થિત એપોલો ગ્રુપ ઓફ હોસ્પિટલ્સનો ભાગ છે. આ કેસમાં અન્ય આરોપીઓ પણ જામીન પર બહાર છે. ૧૨ સપ્ટેમ્બરના રોજ, દિલ્હીની કોર્ટે છેતરપિંડી અને ગુનાહિત કાવતરું અને માનવ અંગોના પ્રત્યારોપણ અધિનિયમ, ૧૯૯૪ હેઠળ વિવિધ કલમો હેઠળ ચાર્જશીટની નોંધ લીધી હતી.