ગુજરાતમાં નવરાત્રિ સમયે જ માતાજીની ભક્તિ અને ઉત્સવના વાતાવરણ વચ્ચે બાળાઓ પર દુષ્કર્મની ઘટનાથી સમગ્ર રાજ્યમાં ચિંતાનું વાતાવરણ છે અને હાલમાં જ વડોદરામાં ભાયલીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ બાદ હવે સુરતના માંગરોળમાં પણ આ પ્રકારે એક ઘટના બની છે અને તેમાં ત્રણ નરાધમોએ સગીરાના મિત્રને માર મારી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું.
સુરતના માંગરોળ તાલુકાના બોરસરા ગામની સીમમાં રાત્રિના એક સગીરા તેના મિત્ર સાથે ઉભી હતી તે સમયે ત્યાં ધસી આવેલા ત્રણ લોકોએ સગીરાના મિત્રને માર મારીને ભગાડી દીધો હતો અને બાદમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. એક વ્યકિતએ શારિરીક સંબંધ બાંધ્યા હોવાના પુરાવા મળ્યા છે.
જ્યારે અન્ય બેની ભૂમિકા તપાસાઇ રહી છે. આ ઘટનાની જાણ થતાં જ સુરત રેન્જના આઇજી જિલ્લા પોલીસ વડા અને પોલીસની ટીમ આરોપીઓને પકડવા પહોંચી ગઇ હતી અને ડોગ સ્કવોડની મદદ લઇને આરોપીઓનું પગેરું દબાવાઇ રહ્યું છે.
સુરતની ઘટનામાં ઝડપાયેલા મુખ્ય ત્રણ સહિત તમામ પાંચ આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. તે સમયે વધુ એક ઘટનાએ રાજ્યમાં મહિલાઓ અને બાળાની સલામતી માટે પ્રશ્ર્ન ઉભા કર્યા છે અને રાજ્યમાં પોક્સોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આઠ મહિનામાં આ પ્રકારે 191 અપરાધો નોંધાયા છે. તે સમયે જ આ ઘટનાએ સરકારની ઉંઘ હરામ કરી દીધી છે.