પ. પૂજ્ય આ. ભ. રાજહંસસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં ધર્મનગરી સૂરત મધ્યે વેસુમાં રાજાવિહાર તપાગચ્છ સંઘમાં આજે એક ગર્ભ સંસ્કાર માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ. પૂ. આ. ભ. રાજહંસસૂરીશ્વરજી મ.સા.એ ગર્ભ સંસ્કાર ઉપર ખૂબ સરસ પ્રકાશ પ્રવચનના માધ્યમ દ્વારા પાડ્યો. આજે ગાંધી જયંતિ નિમિત્તે સૌ પ્રથમ સાહેબજીએ ગાંધીજીને યાદ કરીને તેમના દ્વારા લખાયેલ ‘સત્યના પ્રયોગ’ પુસ્તકમાં લખ્યું છે મારા બે પુત્રો અલગ-અલગ છે એક વિકાર પુત્ર છે અને એક વિચાર પુત્ર છે અર્થાત્ ગર્ભાધાન પહેલા વિચારક બનવું પડે છે.
આજ વિષય ઉપર ડૉ. અભયભાઈ શાહ જે ગર્ભ સંસ્કાર સાથે છેલ્લા 17 વર્ષથી અવિરત અને પૂર્ણ સર્મપણ સાથે કાર્ય કરી રહ્યા છે. તેમની નિષ્ણાત ટીમના ડૉ. જોલીબેન જે અમદાવાદથી ખાસ પધાર્યા હતા તેમણે કહ્યું ગર્ભાધાન પહેલા જ તમે તમારા બાળકને PMH આપી શકો છો અર્થાત્ પ્રકૃતિ, મન અને હેલ્થ, DNA જે બાળકનો શરીરમાં હોય છે તેને આપણે સંકલ્પ શુદ્ધિ અને સંસ્કાર દ્વારા બદલી શકીએ છીએ. અર્થાત્ બાળકના ગર્ભાધાન પહેલેથી જ તૈયારી કરવી પડશે.
આ વિષયને આગળ વધારતા મુંબઈથી પધારેલ તૃપ્તિબેને ખૂબ સરસ રીતે પોતાના વક્તવ્યમાં જણાવ્યું ગર્ભ સંસ્કાર એ કોઈ ધાર્મિક કોર્સ નથી, પરંતુ અર્વાચીન વિજ્ઞાન છે. બાળકને સર્વાંગી પ્રતિભાના સ્વામી બનાવવા માટે બાળકનો IQ, EQ, PQ અને SQ નો વિકાસ ગર્ભમાંથી જ થવો ખૂબ જરૂરી છે. આ ચારેય “Q” ને સમજાવવા માટે પ્રશ્નોત્તરી દ્વારા સ્નેહાબેન જે પૂનાથી ખાસ આ શિબિરમાં પધાર્યા હતા ખૂબ સરસ રીતે શ્રોતાઓને પકડી રાખ્યા હતા.
આખી શિબિરનું સંચાલન યોગ નિષ્ણાંત એવા સંજનાબેન શાહ જે ખાસ અમદાવાદથી પધાર્યા હતા ખૂબ સરસ રીતે કર્યું હતું. તેમણે ખૂબ સુંદર કહ્યું હતું એક સંસ્કારી બાળકને જન્મ એક સંસ્કારી માતા-પિતા જ આપી શકશે.
ગર્ભધાનથી લઈ અને ગર્ભ-સંસ્કારનો અનુભવ જે માતાઓને અને પિતાઓને થયો છે તે માતાઓ વીરાંગીબેન, ચૈતાલીબેન CA અને રવીનાબેન CA એ ખૂબ સરસ રીતે સંભળાવ્યો.
સુરત વેસુ મધ્યે ખૂબ સુવ્યવસ્થિત શિબિરનું સફળ આયોજન થયું હતું.