એશિયન બજારોમાં ઉછાળાને પગલે સોમવારે ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન ભારતી એરટેલ, એમએન્ડએમ અને એચડીએફસી બેન્કના ઉછાળાને કારણે સ્થાનિક સૂચકાંકો નવા રેકોર્ડ ઊંચાઈએ ખૂલ્યા હતા. સવારે 9:18 વાગ્યે, BSEમા Sensex 287 પોઈન્ટ અથવા 0.34% વધીને 84,831 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જ્યારે Nifty 50 100 પોઈન્ટ અથવા 0.39% વધીને 25,891 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
યુએસ અર્થતંત્ર સામાન્ય થઈ શકે તેવા આશાવાદ પર બેન્ચમાર્ક સૂચકાંકો નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યા છે. નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે બુધવારે 50 બેસિસ પોઈન્ટના નોંધપાત્ર કટ પછી, ફેડ હવે 7 નવેમ્બરે વ્યાજ દરોમાં વધુ 50 બેસિસનો ઘટાડો કરી શકે છે. CME Fedwatch મુજબ, આગામી Fed પોલિસી મીટિંગમાં આવું થવાની સંભાવના 50.3% છે.
સેન્સેક્સ શેરોમાં ભારતી એરટેલ, એમએન્ડએમ, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક, ટાટા સ્ટીલ અને એચડીએફસી બેંક ઉછાળા સાથે ખુલ્યા હતા, જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એચસીએલ ટેક, પાવર ગ્રીડ અને ઈન્ફોસિસ ઘટ્યા હતા.
સેક્ટોરલ મોરચે, નિફ્ટી ફાર્મા 1% વધ્યો, જ્યારે નિફ્ટી ઑટો 0.9% વધ્યો. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ, એફએમસીજી, મીડિયા, પીએસયુ બેન્ક, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પણ ઉછાળા સાથે ખુલ્યા હતા.
વ્યક્તિગત શેરોની વાત કરીએ તો, વોડાફોન આઈડિયાએ નોકિયા, એરિક્સન અને સેમસંગ સાથે $3.6 બિલિયન નેટવર્ક સાધનોના સોદા પર હસ્તાક્ષર કર્યા પછી કંપનીના શેર 8% વધ્યા હતા. NTPC તરફથી રૂ. 6,100 કરોડનો ઓર્ડર મળ્યા બાદ ભેલના શેર પણ 3%થી વધુના વધારા સાથે ખુલ્યા હતા.