વડોદરામાં પૂરના પાણી ઓસરતા જ રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ પૂરની સ્થિતિને કારણે લોકોમાં મહાનગર પાલિકાની પ્રિ-મોન્સુન ઝુંબેશ સામે રોષ જોવા મળી રહ્યો છે. પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવેલા ભાજપના નેતાઓને લોકો સવાલો કરી રહ્યા છે. દરમિયાન વડોદરામાંથી એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે.
જી હાં, આ વીડિયોમાં જાણે ભાજપની એક મહિલા નેતાએ તમામ લાજ-શરમ નેવે મૂકી દીધી હોય તેવું લાગી રહ્યું છે. વડોદરામાં ભાજપ મહિલા નેતાની શરમજનક ‘રીલ‘ જોઈ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. અને ચર્ચા કરી રહ્યા છે કે સંસ્કારી નગરીની એક અસંસ્કારી ભાજપ મહિલા નેતાએ લોકોને શરમાવ્યા છે અને તેમની ક્રૂર મજાક ઉડાવી છે.
એક તરફ લોકો પૂરના પાણીમાં ડૂબી રહ્યા હતા, તો બીજી તરફ ભાજપની આ મહિલા નેતા પૂરના પાણીમાં જ વીડિયો બનાવી રહી હતી. પૂરથી લોકો પરેશાન હતા અને મેડમ રીલ બનાવવામાં વ્યસ્ત હતા. લોકોને મદદ કરવાના નામે તે વડોદરાના નાગરિકોનું ભયંકર મજાક કરી રહી હતી. એક તરફ લોકો ભૂખ્યા હતા અને મહિલા નેતા મોજમાં હતા, જેના કારણે હવે મામલો ગરમાયો છે. ભાજપ મહિલા મોરચાના મહામંત્રી ચાર્મી પટેલની વોટર રોમેન્સ રીલ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ચાર્મી પટેલનું નામ આડકતરી રીતે ઘણી વખત વિવાદોમાં આવી ચૂક્યું છે.