મુંબઈઃ કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ પર મોટો આરોપ લાગ્યો છે. ફિલ્મમાં શીખોની છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શીખોની સર્વોચ્ચ સંસ્થા અકાલ તખ્ત અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ ફિલ્મ ‘ઇમરજન્સી’ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે અને દાવો કર્યો છે કે તેમાં શીખોની પ્રતિષ્ઠાનું હનન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
એસજીપીસીના વડા હરજિન્દર સિંહ ધામીએ એક પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મના લેખક, દિગ્દર્શક, નિર્માતા અને ટોચની અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની પણ માંગ કરી હતી. ઈન્દિરા ગાંધીની હત્યામાં સામેલ બિઅંત સિંહના પુત્ર સરબજીત ખાલસાનું કહેવું છે કે કંગના રનૌતની નવી ફિલ્મ ઈમરજન્સીમાં શીખોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે.
સરબજીત ખાલસાનું માનવું છે કે ઓપરેશન બ્લુ સ્ટારના દ્રશ્યોમાં શીખોને આતંકવાદીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે અને આ ફિલ્મ નફરત ભડકાવવાનું ષડયંત્ર હોવાનું જણાય છે. આવી સ્થિતિમાં સરકારે આ ફિલ્મની રિલીઝ પહેલા તેના પર ધ્યાન આપવું જોઈએ. જેમાં શીખોને આતંકવાદી બતાવવામાં આવી રહ્યા છે.
અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત અભિનીત ‘ઇમરજન્સી’ આવતા મહિને 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મની રિલીઝ પહેલા પણ ઘણી વખત સ્થગિત કરવામાં આવી છે. અગાઉ તે 24 નવેમ્બર 2023ના રોજ રિલીઝ થવાની હતી. ફિલ્મની રિલીઝ સામે સખત વાંધો વ્યક્ત કરતાં અકાલ તખ્તના જથેદાર જ્ઞાની રઘબીર સિંહે કહ્યું હતું કે ફિલ્મના રિલીઝ થયેલા અંશો પરથી સ્પષ્ટ થાય છે કે તેમાં જાણીજોઈને અલગતાવાદી તરીકે શીખોની ઈમેજ ખોટી રીતે બતાવવામાં આવી છે, જે એક કાવતરાનો ઊંડો ભાગ છે.