- દેશભરમાં ચાલી રહ્યો છે ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ
- સુરતના 600થી વધુ ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો
સુરતઃ હવે કલકત્તા મહિલા ડોક્ટર કેસના પડઘા સુરતમાં પડ્યા છે. કલકત્તા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે સુરતના ડોક્ટરોએ પીએમ મોદીને પત્ર લખી સુરતના ડોક્ટરોએ ન્યાયની માગ કરી છે. જેમાં એક ડોક્ટરે લખ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, R.G.Kar medical college માં 2nd year રેસિડન્ટ કેક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને જે લોકો તેના વિરોધ માટે ત્યાં હડતાળ પર હતા તે લોકો પર જે રીતે હુમલો કરવામાં આવેલો અને તે લોકોને ધમકાવવામાં આવેલા તે તદ્દન અયોગ્ય છે અને તેના વિરુધ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. તો અમારી માંગ એટલી જ છે કે જે આરોપીઓ છે તેમને જલ્દી જ યોગ્ય સજા કરવામાં આવે અને ડોક્ટરોને સુરક્ષાત્મક વાતાવરણ પૂરું પાડવામાં આવે. તેમના માટે રાષ્ટ્રિય કાયદો બનાવવામાં આવે કે જેથી આવી વ્યકિત કોઈ પણ દીકરી સાથે આવું કરવાનું કયારેય પણ ના વિચારે. WE WANT JUSTICE
આ ઉપરાંત વધુ એક ડોક્ટરે પત્રમાં લખ્યું હતું કે આદરણીય પીએમ નરેન્દ્ર મોદી સાહેબ, અમે આ હત્યા અને અત્યાચારથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા, આ ઘટનાએ તમામ ડોક્ટર અને હોસ્પિટલ તેમજ મેડિકલ કૉલેજ સહિત કોલકત્તાને આંચકો આપ્યો હતો. કૃપા કરીને સ્વીકારો કે આ પરિસ્થિતિની ગંભીરતા કેન્દ્ર સરકારના પ્રતિભાવ અને જવાબોની રાહ જોઈ રહી હતી. કૃપા કરીને ડોકટરોને જાણ કરો અને મદદ કરો.
મહત્વની વાત છે કે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશે. જો કે, ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં કેટલીક ઓપીડી ચાલુ થઈ છે. જો કે, રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી. ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે. ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે.
બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં 18 ઓપીડીમાં ફરજ બજાવતા તબીબો ઇમર્જન્સી સેવા સિવાયની તમામ સેવાઓથી વંચિત રહેશે. હાલ તબીબો મેડિકલ કોલેજ આગળ વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છે. જ્યારે અમદાવાદ અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજોમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્ર થઈ વી ફોર જસ્ટીસ, તાનાશાહી નહીં ચલેગીના સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ડોક્ટરોએ રોષ ઠાલવી કહ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી હડતાળ પર રહીશું.