સુઇગામમાં 3 ઇંચ વરસાદ ખાબકતાં ધરતીપુત્રો હરખાયા
વાવણી લાયક વરસાદ થતાં સરહદી પંથકના ખેડૂતોમાં ખુશી છવાઈ
4:00 વાગ્યા સુધી સૌથી વધુ વરસાદ લાખણીમાં 237 મીમી
પાલનપુરઃ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે. જોકે સરહદી સુઇગામ તાલુકામાં મંગળવારે મોસમનો પહેલો વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. મંગળવારે વહેલી સવારથી જ આવી ચડેલા વરસાદે સુઇગામ પંથકમાં બઘડાટી બોલાવી હતી.
જ્યારે સુઇગામથી પશ્ચિમ તરફના પટ્ટા પર કચ્છનું નાનું રણ છવાયેલું હોઈ 3 ઇંચ વરસાદ વરસી જતાં સરહદી સુઇગામથી છેક ઇન્ડો-પાક.બોર્ડર સુધીના 45 કી.મી ના રણમાં વરસાદી પાણી ભરાતા રણ ઘૂઘવતા સમુંદર માં ફેરવાઈ જતાં અદ્દભુત નજારો જોવા મળી રહ્યો છે. ચોમાસાના પહેલા વરસાદથી અફાટ રણમાં વરસાદી પાણી ભરાતા રણ સમુંદર માં ફેરવાઈ ગયું છે. નડાબેટ ટુરિઝમમાં પ્રવાસે આવતા અને નડેશ્વરી માતાજીના મંદિરે દર્શનાર્થે આવતા સહેલાણીઓનો પણ રણમાં વરસાદી પાણીના નજારાને માણવા ધસારો વધી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા કેટલાય સમયથી ગરમી અને ઉકળાટ થી મંગળવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે વરસાદનું આગમન થતાં માત્ર બે કલાકમાં બે ઇંચ કાચું સોનુ વરસી ગયું હતું,અને દિવસભર ઝરમર વરસાદ ચાલુ રહેતાં સાંજ સુધીમાં કુલ 3 ઇંચ વરસાદ નોંધાયો હતો, વાવણી લાયક વરસાદ થતાં ધરતી પુત્રોમાં પણ આનંદ છવાયો હતો. જોકે વરસાદના લીધે કોઈ જાન માલ ને નુકશાન થયાના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.
જિલ્લામાં લાખણી ખાતે મેઘરાજાએ ભારે સપાટો બોલાવ્યો હતો. સવારના 10 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં આ પંથકને મેઘરાજાએ ઘમરોળી નાખ્યો હતો. તેમાં ચાર કલાકમાં જ નવ ઇંચ જેટલો એટલે કે 273 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે લાખણીના માર્ગો જળબંબાકાર બન્યા હતા અને માર્ગો ઉપર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે વરસાદથી લોકોનું જનજીવન પ્રભાવિત થવા પામ્યું હતું. તેમ જ અહીંના કેટલાક શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓની માલ – મિલકતને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં સાંજે 4:00 વાગ્યા સુધી સૌથી વધુ વરસાદ લાખણીમાં 237 મીમી, દાંતામાં 155, મીમી દિયોદરમાં 104 મીમી વરસાદ નોંધાયો છે. તે સિવાયના તાલુકાઓમાં ચાર થી માંડી ને ૮૧ મીમી જેટલો વરસાદ નોંધાવવા પામ્યો છે.