રાજકોટઃ મહિકા ગામમાં થયેલ મારામારીના ગુનામાં આઈપીસીની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતાનો અમલ કરવામાં આવ્યો છે. ખૂની હુમલાની કલમ 326(2) ની જગ્યાએ 118 (1), 323 ની જગ્યાએ 115(2) અને ધમકીની કલમ 504 ના સ્થાને 352 તેમજ મદદગારીમાં 115ના બદલે 54 લગાડવામાં આવી હતી.
તા.1થી પોલીસ તંત્રમાં સુવર્ણ યુગનો પ્રારંભ થવાં જઈ રહ્યો છે. અંગ્રેજો વખતના કાયદામાં ધરખમ ફેરફાર આજથી થઈ રહ્યા છે. આજનો દિવસ પોલીસ તંત્ર માટે ઐતિહાસિક દિવસ હશે. ગુલામીની તમામ નિશાનીઓનો અંત લાવવના હેતુથી અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલા અને બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ભારતીય દંડ સંહિતા, 1860, ફોજદારી કાર્યરીતિ સંહિતા, (1898), 1973 અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ, 1872 ને રદ કરીને 3 નવા બિલ લાવવામાં આવ્યા છે. જેમાં હવે ભારતીય દંડ સંહિતા (આઇપીસી)નું સ્થાન ભારતીય ન્યાય સંહિતા લેશે, ફોજદારી કાર્યરીતિ સંહિતાનું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, લેશે અને ભારતીય પુરાવા અધિનિયમનું સ્થાન ભારતીય સાક્ષ્ય વિધેયક લેશે.
નવા કાયદાના અમલીકરણમાં આજીડેમ પોલીસ મથક રાજકોટ શહેરમાં પ્રથમ ગુનો નોંધ્યો છે. જેમાં મહિકા ગામમાં સીમ જમીન સેઢા મામલે થયેલ મારમારીના બનાવમાં ખૂની હુમલાની કલમ 326(2) ની જગ્યાએ 118 (1), 323 ની જગ્યાએ 115(2) અને ધમકીની કલમ 504 ના સ્થાને 352 તેમજ મદદગારીમાં 115 ના બદલે 54 લગાડવામાં આવી છે.
બનાવ અંગે મહિકા ગામમાં બાલાજી સ્ટોન ક્રશરથી આગળ રહેતાં સવજીભાઈ ખીમજીભાઈ ગોહેલ (ઉ.વ.59) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તેના કૌટુંબિક ભાઈ રવજી ચકુ ગોહેલ, ભત્રીજો પ્રફુલ રવજી ગોહેલ, ભાવેશ જગદીશ ગોહેલ અને હેમંત મનસુખ ગોહેલનું નામ આપતા આજીડેમ પોલીસે ભારતીયન્યાયસંહિતા (બી.એન.એસ.)ની કલમ 115(2), 118(1), 352,54 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે અને આરોપી કૌટુંબિક ભાઈ રવજીની જમીન પણ તેની બાજુમાં જ આવેલ છે. આરોપી રવજી અને તેનો પુત્ર તેમજ ભત્રીજાઓ ફરિયાદીની સીમ જમીન પર જવાના રસ્તામાં પોતાની વાડીમાંથી પથ્થર કાઢી તેમાં નાંખતા હતાં. જે મામલે ફરિયાદીએ આરોપી રવજીને ટપાર્યો હતો કે, અમારો રસ્તો બંધ થઈ જાય છે, માટે રસ્તામાં પથ્થર નાંખતો નહીં.
જે મામલે આરોપી રવજી ઉશ્કેરાયો હતો અને પોતાના પુત્ર અને ભત્રીજા સાથે ઇક્કો કાર અને રીક્ષામાં વાડીએ ઘસી આવ્યા હતાં અને ફરીયાદી સાથે ઝઘડો કરી કુહાડીથી હુમલો કરી દિધો હતો. તેમજ અન્ય આરોપીએ પણ ઢીકાપાટુનો બેફામ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી આરોપી નાસી છૂટ્યા હતાં. બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ ખેડૂતને સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.