સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સુરતના ચોક સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે સુરત મહાનગર પાલિકા આયોજિત ‘૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિન’ની ઉજવણી કરાઇ હતી. ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ પર આધારિત ઉજવણીમાં આશરે ૬૦૦ લોકોએ સામૂહિક યોગાભ્યાસ અને પ્રાણાયામ કર્યા હતા. સાથે જ સ્વસ્થ જીવન માટે નિયમિત યોગાભ્યાસ કરવા સૌ સામૂહિક રીતે સંકલ્પબદ્ધ થયા હતા.
10માં આંતરરાષ્ટ્રીય યોગ દિન પર ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ
‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય મંત્રીએ ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી મોદીએ વિશ્વના ૧૭૬ દેશોમાં યોગનો પ્રચાર કર્યો છે. જેથી યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓળખ મળી છે. વધુમાં યોગને સ્વસ્થ જીવનનો મૂળમંત્ર ગણાવતા લોકોને નિયમિત યોગાભ્યાસ કરવા અપીલ કરી હતી.
શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું સંતુલન જાળવવા યોગની ભૂમિકા મહત્વની: યોગસાધક હની પ્રજાપતિ
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય હની પ્રજાપતિ છેલ્લા ૫ વર્ષથી સ્વિમિંગ કરે છે. જેમાં તેઓ ખેલ મહાકુંભ, શી સ્વિમિંગ (નેશનલ), એજ ગ્રુપ, ખેલો ઈન્ડિયા વુમન સિરીઝ(નેશનલ), એકવેટિક એસોસિયેશન સહિતની અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ વિવિધ મેડલ્સ જીતી ચૂક્યા છે. રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે હની ખાન-પાનની સાથે વ્યાયામ પણ નિયમિત કરે છે.
જે અંગે તેઓ જણાવે છે કે, હું છેલ્લા ૩-૪ વર્ષોથી યોગ સાથે સંકળાયેલી છું. અને મારી ફિટનેસ મેન્ટેઈન રાખવા નિયમિત રીતે યોગના વિવિધ આસનો કરું છું. સ્પોર્ટસ સાથે સંકળાયેલા હોવાને કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું સંતુલન જાળવવા યોગની ભૂમિકા મહત્વની છે. વધુમાં હની દરેક યુવાઓને આજના તણાવમુક્ત અને ફાસ્ટફૂડના જમાનામાં ફરજિયાત યોગ કરવા પ્રોત્સાહન આપે છે. જેથી એકંદરે આખો સમાજ તંદુરસ્ત અને નીરોગી થઈ શકે.
બારડોલીના સીનિયર સિટીઝન દંપતી છેલ્લા ૧૨ વર્ષથી કરે છે યોગ-પ્રાણાયામ
આંતરરાષ્ટ્રીય યોગદિનના કાર્યક્રમ સમગ્ર દેશ સાથે બારડોલી ખાતે પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ યોગદિનમાં યોગપ્રેમી દંપતિ ૭૪ વર્ષિય હસુમતી ઉનાલિયા અને ૭૭ વર્ષિય પ્રહલાદભાઈ ઉનાલિયા પોતાની તંદુરસ્તીનો શ્રેય નિયમિત યોગને આપે છે. મૂળ અમદાવાદ જિલ્લાના માંડલ ગામનાં વતની અને વર્ષ ૧૯૭૭થી બારડોલીના મિલન પાર્ક ખાતે રહેતા વામદૂત સ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપલ પ્રહલાદભાઈ અને તેમના ધર્મપત્ની હસુમતી ઉનાલિયા જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૧૨ વર્ષથી નિયમિત યોગ, પ્રાણાયામ અને કસરત કરીએ છીએ. દરરોજ સવારે ૬ થી ૭ વાગ્યા સુધી એક કલાક પોતાના માટે આપીએ છીએ ત્યારે આ ઉંમર નિરોગી છીએ.
આજે ૭૪ વર્ષની ઉંમરે પણ મારા શરીરમાં પ્રસન્તા અને તંદરુસ્ત છીએ. છેલ્લા ૧૨ વર્ષથી એક રૂપિયાની પણ દવા નથી લીધી. જેના મૂળમાં યોગ છે. કોરોમાં પણ કોઈ તકલિફ નથી પડી. યોગના કારણે સમગ્ર દિવસ શક્તિથી ભરપુર રહીએ છીએ. આ ઉંમરે અનેક લોકો આજે કેન્સર, બ્લડ પ્રેસર, ડાયાબિટીસ જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે ત્યારે તેઓને નિયમિત યોગ કરવાની સલાહ તેમણે આપી હતી. આ ઉપરાંત નશાકારક ટેવોથી દુર રહીને નિયમિત યોગ કરવાનો અનુરોધ કર્યો હતો.