સુરતઃ પાલ વિસ્તારમાં આવેલા મણિભદ્ર રેસીડેન્સીની બહાર પશુનું માથું કાપીને ફેંકી દેવાની ઘટના સામે આવતા ફરી એકવાર વિવાદ ઉભો થયો છે, જેને કારણે જૈન સમાજના મહારાજ તેમજ આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. જોકે ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. Surat Crime News
પાલ વિસ્તારમાં મણિભદ્ર રેસીડેન્સીની આજુબાજુમાં ઘણા બધા જૈન દેરાસરો પણ આવેલા છે અને અહીં મોટાભાગે જૈન લોકો જ વસવાટ કરે છે ત્યારે આ પ્રકારે પશુનું માથું કાપીને ફેંકવાની ઘટનાએ ફરી જૈન સમાજના લોકોની લાગણી દુભાવી છે. આજે સવારે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેના દ્વારા રેસીડેન્સીની બહાર પશુનું માથું ફેકાયું હોવાની જાણ રેસીડેન્સીના લોકોને કરવામાં આવતા તમામ લોકો તુરંત જ બહાર દોડી આવ્યા હતા. તેમજ આસપાસના જૈન દેરાસરના મહારાજ સાહેબ પણ આવી પહોંચ્યા હતા. આ ઘટનાથી જૈન સમાજ ફરી રોષે ભરાયો છે. તેમજ આ કૃત્યને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે ડીસીપી રાકેશ બારોટએ જણાવ્યું હતું કે ખાનગી વ્યક્તિ દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવ્યો હતો. અહીં પશુના માથાનો ભાગ મળી આવ્યો છે. એફએસએલની ટીમ બોલાવવામાં આવી છે જે પશુના અંગનો ભાગ મળ્યો છે તેમના DNA તપાસ કરવામાં આવશે તેમજ વેટેનરી ડોક્ટરને પણ બોલવામાં આવ્યા હતા. પાલ ગાર્ડન પાસે પશુઓના બીજા અંગો મળી આવ્યા છે, તેમના પણ નમુના લઈ તપાસ કરવામાં આવી રહી છે.