હોટલાઇન ન્યૂઝ
T20 વર્લ્ડ કપ 2024માં શનિવારે 8 જૂને ફરી એકવાર અપસેટ જોવા મળ્યો હતો. અફઘાનિસ્તાને ગ્રુપ સીમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું છે. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં 160 રનના લક્ષ્યાંકના જવાબમાં કિવી ટીમ 75 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનની જીતના હીરો હતા કેપ્ટન રાશિદ ખાન અને રહેમાનુલ્લા ગુરબાઝ. ફઝલહક ફારૂકીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. 2 દિવસમાં આ ત્રીજો અપસેટ છે. આ પહેલાં અમેરિકાએ પાકિસ્તાનને હરાવ્યું, તો કેનેડાએ આયર્લેન્ડને હરાવ્યું હતું અને હવે અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડને હરાવ્યું છે.
ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો અફઘાનિસ્તાનના બોલરો સામે ટકી શક્યા ન હતા. ફક્ત 2 બેટ્સમેન જ ડબલ ફિગરમાં રન બનાવી શક્યા હતા. ગ્લેન ફિલિપ્સે 18 રન અને મેટ હેનરીએ 12 રન બનાવ્યા હતા. એક્સ્ટ્રામાં 10 રન મળ્યા હતા. કેન વિલિયમસનની આગેવાની હેઠળની ટીમ 15.2 ઓવરમાં 75 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ફારૂકીએ પહેલા જ બોલ પર ફિન એલનને પેવેલિયન મોકલી દીધો હતો. એ પછી ન્યૂઝીલેન્ડની ટીમ ક્યારેય સબળ બની શકી નહીં.
ફારૂકીએ ડેવોન કોનવે અને ડેરીલ મિશેલને પેવેલિયન ભેગા કરી દીધા હતા. રાશિદ ખાને કેન વિલિયમસન, માર્ક ચેપમેન અને માઈકલ બ્રેસવેલને આઉટ કર્યા હતા. કિવી ટીમનો સ્કોર 8.2 ઓવરમાં 6 વિકેટે 43 રન થઈ ગયો હતો. મોહમ્મદ નબીએ તરત જ ગ્લેન ફિલિપ્સ અને મિશેલ સેન્ટનરને પેવેલિયન મોકલી દીધા. અંતે, લૉકી ફર્ગ્યુસનને રાશિદે પેવેલિયનમાં મોકલ્યો હતો અને મેટ હેનરીને ફારૂકીએ પેવેલિયનમાં મોકલ્યો હતો. રાશિદ અને ફારૂકીએ 4-4 વિકેટ લીધી હતી.
અફઘાનિસ્તાનની બેટિંગની વાત કરીએ તો રહેમાનુલ્લા ગુરબાઝે 56 બોલમાં 5 ફોર અને 5 સિક્સરની મદદથી 80 રન બનાવ્યા હતા. ઈબ્રાહિમ ઝદરાને 41 બોલમાં 44 રન બનાવ્યા હતા. અઝમતુલ્લા ઉમરઝાઈએ 13 બોલમાં 22 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને મેટ હેનરીએ 2-2 વિકેટ લીધી હતી. લોકી ફર્ગ્યુસને 1 વિકેટ લીધી હતી. ગ્રુપ સીમાં અફઘાનિસ્તાન 2માંથી 2 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.