હોટલાઇન ન્યૂઝ
વિમાન મુસાફરી દરમ્યાન સામાન ખોવાઇ ગયાનો અનુભવ ક્યારેક તમને પણ થયો હશે. પેસેન્જર બીચારો કસ્ટમર કેર પર ફોન કરતો રહે, પણ જવાબ પર સરખો મળતો નથી. ઘણી વખત તો સામાન મેળવવાની આશા છોડી દેવી પડતી હોય છે. એવું જ એક પેસેન્જર સાથે ઇન્ડિગોની ફ્લાઇટમાં થયું, તો તેણે બેગ શોધી કાઢવા માટે એરલાઇનની વેબસાઇટ જ હેક કરીને પોતાની બેગ શોધી કાઢી હતી !
બન્યું એવું કે સોફ્ટવેર ઇજનેર નંદનકુમાર પટનાથી ઇન્ડિગોની ફ્લાઇટ પકડીને બેંગ્લુરૂ પહોંચ્યા હતા. એરપોર્ટથી પોતાની બેગ લઇને ઘરે પહોંચ્યા, ત્યારે નંદનકુમાર માટે ચોંકવાનો વાર આવ્યો હતો. પત્નીએ તેમને જોઇને જ કહ્યું કે, આપણી બેગ ક્યાં છે ? આ તો કોઇ બીજાની બેગ લઇ આવ્યા. નંદન કુમારની બેગ બીજા મુસાફર સાથે બદલાઇ ગઇ હતી. બેગ બદલાયેલી હોવાને કારણે નંદનકુમારે કસ્ટમર કેરને ફોન કરીને વાત કરી. પરંતુ કસ્ટમર કેરે કોઇ જવાબ ન આપ્યો. એ સાથે જ નંદનકુમારે બેગ જાતે જ શોધી કાઢવા માટે પ્રયાસ શરૂ કર્યા અને આખરે, તેમાં સફળતા મળી ત્યારે આખી ઘટના ટ્વીટર પર પોસ્ટ કરી. નંદન કુમારે ઇન્ડિગોની વેબસાઇટ હેક કરીને નેટવર્ક લોગ રેકોર્ડમાં શોધખોળ કરવા માંડી, આખરે તેમાં પોતાની બેગ જેની સાથે બદલાઇ ગઇ હતી, તેની માહિતી મળી. એ પેસેન્જરની કોન્ટેક્ટ ડિટેઇલ્સ નેટવર્ક રિસ્પોન્સ મારફત મેળવી લીધી હતી. એ પેસેન્જર નંદન કુમારની નજીક જ રહેતો હોય, તેનો કોન્ટેક્ટ કરીને બેગ મેળવી લીધી હતી.
એ પછી નંદન કુમારની અંદરનો સોફ્ટવેર એન્જિનિયર જાગી ગયો હતો. તેમણે ઇન્ડિગોને સલાહ આપી કે કસ્ટમર સર્વિસને સુરક્ષિત કરવાની જરૂર છે. કંપનીએ IVR ફિક્સ કરી પોતાની વેબસાઇટને પણ ફિક્સ કરવી જોઇએ જેથી પેસેન્જરના ડેટા લીક ન થઇ શકે. જો કે ઇન્ડિગોની કસ્ટમર સર્વિસે દાવો કર્યો હતો કે બેગ માટે સબંધિત પેસેન્જરને ત્રણ વખત ફોન કરવામાં આવ્યા હતા. પરંતુ પેસેન્જરે કંપનીએ કોઇ ફોન કર્યો હોવાનો ઇન્કાર કર્યો હતો.